Friday, December 7, 2007

ઘર,પરિવાર..

આપણે ઘર કોને કહીશું? ઘર એટલે રેતી,સિમેન્ટ અને ઈંટથી બનેલું મકાન? ના ઘર એક પરિવારથી ,પરિવારના સભ્યોથી બને છે. રેતી, સિમેન્ટ, ઈંટથી બનેલું એક મકાન હોય પણ એને ઘર પરિવારના સભ્યો બનાવે છે.

કેહવાય છે ને ધરતીનો છેડો એટલે ઘર. સાચું જ છે ને આપણે દુનિયામાં ગમે ત્યાં જઈએ પણ ઘર જેવી સુખ-શાંતિ બીજે ક્યાંય નથી મળતી ખરું ને , ભલે ઘર નાનું હોય કે મોટું પણ એ ઘર આપણું છે અને એમાં આપણાં સ્વજનો રહે છે, એ મહત્વનું છે . આપણે જોઈએ તો પહેલાંનાં જમાનામાં પરિવારનાં બધા સભ્યો એકસાથે એક જ હસીખુશી ઘરમાં રેહતા.પરિવારના બધા સભ્યો એકબીજા સાથે જોડાયેલા રેહતા તેથી પરિવારના એક સભ્ય પર આવતી તકલીફ, કે દુઃખ એ પરિવારના બધાં સભ્યોની તકલીફ કે દુઃખ બની રેહતું, એટલે તકલીફ , કે દુઃખ ક્યાંદૂર થઈ જતા એની ખબર પણ નહી પડતી.પરિવારનાબધાં સભ્યો સાથે રેહતા બાળકો પણ ક્યાંય મોટા થઈ જતા ખબર પણ નહીં પડતી, અને બાળકોને પણ દાદા-દાદી , કાકા-કાકી બધા સાથે રેહવાની મઝા આવતી. ધીરેધીરે આ પરંપરા ભૂલાતી જાય છે, હવે આપણે જોઈએ તો વિભક્ત કુટુંબોની સંખ્યા વધતી જાય છે.કોઈ પરિવાર કામકાજના લીધેતો કોઈ પરિવારમાં સભ્યોને એકબીજા સાથે મનમેળ નહી હોવાથી અલગ રહે છે, પોતાનું અલગ ઘર, અલગ દુનિયા વસાવી લે છે.આપણે જોઈએ તો અમુક ઘરોમાં તો મા-બાપ અને છોકરા-વહુ આજુબાજુ કે ઉપર નીચે અલગ અલગ રહેતાં હોય છે, કારણ કોઈને કોઈની સાથે મનમેળ નથી બેસતો અને પરિવારો તુટતા જાય છે.ખબર નહી પણ આવું આજકાલ વધું બનતું થઈ ગયું છે, કેમ કોઈ કોઈને નથી સમજી શકતું . જ્યારે ધડપણમાં મા-બાપને સ્નેહ, હુંફ , કાળજીની જરૂર હોય ત્યારે જ એમને એકલા મૂકીને આમ જતા કોઈ કેમ વિચારતું નથી જે મા-બાપે કેટલી આશા, અરમાનો સાથે પરિવાર જોડ્યો હોઈ છે , અને આ પરિવારને તૂટતાં જોઈ એમનો કેટલો જીવ બળતો હશે, કેમ કોઈ આ બધું નથી જોતું . આ બધામાં સૌથી ખરાબ દશા નાનાં બાળકોની થાય છે, આ બાળકો બધાના પ્રેમથી વંચિત રહી જાય છે , એવું નથીકે એકલા રેહતા મા-બાપ બાળકોને સારા સંસ્કાર નથી આપી શકતા પણ જે હુંફ , પ્રેમ , સંસ્કાર, માર્ગદર્શન વડિલો પાસેથી મળી શકે છે તેનાથી તો આ બાળકો વચિંત જ રહી જવાના ને તેમાં જે જગ્યાએ મા-બાપ બંને નોકરીયાત હોય ત્યાં તો બાળકોનું ધ્યાન રાખવા વાળું પણ કોઈ હોતું નથી. જયારે એમને સૌથી વધારે પ્રેમ ,કાળજીની જરૂર હોય છે ત્યારે જ એમની પાસે કોઈ નથી હોતું આ બધી વાતો વિચાર કરવા જેવી છે કે નહી.

આમ પરિવારને એક રખવાની જવાબદારી પરિવારના બધા સભ્યો ની છે.મે ક્યાંક વાંચ્યુ હતું જે આ પ્રમાણે છે..." જેમ શરીરને સ્વસ્થ રખવાદરેક અંગ ઉપાંગોને એકબીજાના સહકારમાંરહેવું પડે છે તેમ પરિવારને , ઘરને એક રાખવા પરિવારના દરેક સભ્યોએ સહકારવૃત્તિ અને સમાધાનવૃત્તિ કેળવવી જ પડે. બીજાપર આવી જતી તલીફોમાં સહકારવૃત્તિ અને પોતાના પર આવી જતી સમાધાનવૃત્તિ તકલીફોમાં ! જ્યાં આ બે વ્રુતિ નથી ત્યાં કદાચ એમના (નિવાસસ્થાન ભલે ધર કેહવાતું હશે પણ ઈંટ ચૂનાનાં મકાન સિવાય બીજું કોઈ નામ આપી શકાય નહી.

6 comments:

Anonymous said...

ખુબ સુંદર. પ્રતીભાવરુપે મારી રચના...

ઘર
ચાર દીવાલો મળે તો ઘર બને ?
સ્પંદનો સઘળાં ટળે તો ઘર બને?

રેત ને સીમેંટ એકલ શું કરે?
ઈંટ નીંભાડે બળે તો ઘર બને.

સૌ કરે ભેગા મળી મીજબાની, પણ
આશ જો સહુની ફળે તો ઘર બને.

લાગણીના માંડવે બંધાઈને
શ્વાસ જો સઘળા મળે તો ઘર બને.

બાળકો આંગણ ગજાવે રોજ, ને
સ્નેહ જો એમાં ભળે તો ઘર બને.
સુનીલ શાહ

નીતા કોટેચા said...

આ આજની કડવી હકીકત છે.
હુ નાની હતી ત્યારે ૧૦"૧૦ ની રુમ માં મોટી થઈ છુ.
અને લોકો એમાં રાત રહેવા પણ આવતા.આને ખુબ સરસ રીતે જીવતા.
આજનાં બાળકો ને તો કોઇક ને ત્યા રાત રહેવુ પણ નથી ગમતુ અને કોઇ રહે એ પણ નથી ગમતુ.
ભણતર વધતુ ગયુ એમ પૈસો વધતો ગયો.
અને એમ મન સંકુચિત વધારે ને વધારે થાતા ગયા.
દાદા દાદી કાકા કાકી આ જ વાર્તા બની ગયા છે.

Ketan Shah said...

આમ પરિવારને એક રખવાની જવાબદારી પરિવારના બધા સભ્યો ની છે.મે ક્યાંક વાંચ્યુ હતું જે આ પ્રમાણે છે..." જેમ શરીરને સ્વસ્થ રખવાદરેક અંગ ઉપાંગોને એકબીજાના સહકારમાંરહેવું પડે છે તેમ પરિવારને , ઘરને એક રાખવા પરિવારના દરેક સભ્યોએ સહકારવૃત્તિ અને સમાધાનવૃત્તિ કેળવવી જ પડે.

બહુ જ સરસ અને સાચુ લખ્યુ છે. આવા લેખની પણ આ સમાજ મા બહુ જ જરૂર છે.

લાગણીના માંડવે બંધાઈને
શ્વાસ જો સઘળા મળે તો ઘર બને.

સુનીલભાઇએ પણ એમની રચના દ્વવારા સરસ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

Well Done Priti, Keep it up.

સુરેશ જાની said...

મારા બે લેખ આ જ સંદર્ભમાં -

http://gadyasoor.wordpress.com/2007/11/04/new_house/

-----------------------

http://gadyasoor.wordpress.com/2007/10/29/vacant_house/

સુરેશ જાની said...

મને બહુ જ ગમેલો મારો લેખ આખો રજુ કરવાની લાલચ રોકી શકતો નથી -
---------------
એક નવું, તરોતાજા ઘર બન્યું છે. અથવા જુના ઘરને સમારકામ કરી, રંગરોગાન કરી વેચવા કાઢ્યું છે. અથવા ખરીદાઈ ગયેલું એક ઘર છે, જેમાં નવાં વસનારાં રહેવા જવાનાં છે. તેની ચોખ્ખાઈ અને ઉજાસ આંખે ઉડીને વળગે તેવાં છે. અહીં ખાલીપો તો છે, પણ આશાઓ છે, એક નવું ઘર બનવાનો ઉન્માદ છે. અહીં હમણાંજ નવું નક્કોર ફર્નીચર ગોઠવવાવાનું છે; સોડમવાળી રસોઈ બનવાની છે. સંગીતની સુરાવલીઓ રેલાવા માંડવાની છે. અહીં દેવની પુજા કરીને મંગળગીતો ગવાવાનાં છે. અહીં થોડા જ વખતમાં બાળકોની કીલકારીઓ અને કલશોર થવાનાં છે. અહીં પ્રણયની મસ્તી અને શ્રુંગારની મદીરા છલકાવાની છે. અહીં હવે નવું જીવન જીવાવાનું છે, અને આ ઘર તે માટે તલપાપડ થઈને બેઠું છે.

બીજું પણ એક ઘર છે, જે હમણાંજ ખાલી થયું છે. તેમાં વસનારાં, તેને તજીને બીજે રહેવાં જતા રહ્યાં છે. બચેલો, કોઈ કામ વીનાનો સામાન, ગાભા, ડુચા, નકામા કાગળો, ખસી ગયેલા ફર્નીચર પાછળથી હવે ડોકીયાં કરતાં કરોળીયાનાં જાળાં, ફર્શ ઉપર ભેગાં થયેલાં ધુળ અને કચરો અને ખાસ તો વીદાય થઈ ગયેલાં જીવતરના અભાવના ઓથારથી ભરાતાં ડુસકાં અને ડુમો - આ ખાલી ઘરના સમસ્ત અસ્તીત્વને ઘેરું અને સોગીયું બનાવી રહ્યાં છે.અહીં ખાલીપો છે, જે નજીકના ભવીશ્યમાં ભરાવાનો નથી. અહીં કેવળ નીરાશા અને એકલતા છે. અહીં હવે કોઈ જીવન નથી. એ માત્ર ખાલી મકાન જ છે. ઘર નથી.
———————-

આ એક મકાન હોઈ શકે. એક નવો સંબંધ હોઈ શકે. એક નવો રસ્તો હોઈ શકે. એક નવો વીચાર, એક નવી અનુભુતી હોઈ શકે. એ સંગીતકારની મસ્તીમાં હમણાં જ પ્રગટેલી, સંગીતની લયબદ્ધ સુરાવલી પણ હોઈ શકે. અંતરના ઉંડાણમાંથી હમણાં જ પ્રગટેલી, પણ હજુ નહીં વંચાયેલી; ભાવથી છલકાતી અને છંદબદ્ધ કવીતા પણ હોઈ શકે. હમણાં જ ફુટેલી એક કળી કે તે કળી જેવું બાળક કે નવયૌવના પણ હોઈ શકે.

અને એ ખાલી થયેલું મકાન પણ હોઈ શકે. વીજેતાના ક્રુર ઘણથી ખંડીત થયેલો અને ગયેલી સમૃદ્ધીને યાદ કરીને વલવલતો રાજાનો મહેલ પણ હોઈ શકે. હુલ્લડ પછી, કરફ્યુના અમલમાં સોરાતો, તુટેલા સ્વપ્નો અને જીવનો માટે આંસુ સારતો અને વલવલતો, નીસ્તેજ અને નીર્જન રસ્તો પણ હોઈ શકે. કે ટુંપાઈ અને નંદવાઈ ગયેલો સંબંધ પણ હોઈ શકે. અભરાઈએ મુકેલી પસ્તી જેવી બુઠ્ઠી લાગણીઓ કે વીચારશુન્યતા પણ હોઈ શકે. એ કેવળ ‘સ્વ’માં જ જીવાતું જીવન પણ હોઈ શકે કે સ્વજનની હમ્મેશની વીદાયથી ભેંકાર બનેલું એકલતાભર્યું અસ્તીત્વ પણ હોઈ શકે.

સાચ્ચું કહું ? સાવ સ્વલક્ષી, સહીશ્ણુતા, અનુકંપા, કે જીવનના ઉત્સાહ વીનાનાં; સંવેદનશીલતાના અભાવમાં સાવ ચાડીયા જેવાં લાગતાં જીવન મને તો ખાલી ખંડેર જેવાં ઘર જ લાગે છે.

જાતજાતનાં ખાલી ઘર. ખાલીપણાં ય કેવાં જાતજાતનાં અને ભાતભાતનાં ?

નીતા કોટેચા said...

મને પણ આવા વિચારો આવ્યા હતા જ્યારે મારા મમ્મી બીજા ઘરે રહેવા ગયા,
મોટા ઘર માં કે, અરે મારુ બાણપણ ની યાદ હુ કયા સામાન સાથે બાંધુ.
એક એક દાદરો ઉતરતા જીવ કપાતો હતો.
પણ બદલાવ જીવન ની હકીકત છે. એટલે એ પીડા ને પણ હસતા મોઢે ઉજવી હતી

દાદાજી ખુબ સુંદર પણ બહુ યાદો તાજી કરવા વાળી વાત કહી તમે આજે.