Thursday, February 7, 2008

આજ નો દિવસ ...

આવ્યો આજ નો દિવસ રણીયાંમણો
બંધાયા હતા આજે આપણે એક ડોરમાં

અજાણ્યા હતા આપણે તો એકબીજા થી
ને જોડાયા પ્રેમથી પ્રેમબંધન માં

લીધા અગ્નિ કેરા સાત ફેરા સાથે
વચનો લીધા જન્મોજન્મ નિભાવવા ના

જીદંગી કેરા આ સુખદુઃખ ના સફરમાં
નિભાવીશું સાથ એકબીજાનો હમેશાં

હસીખુશી વિતાવીએ આ જીદંગી સાથે
માગું હું તો આજ દિન એટલું જ

મળે સાથ તમારો જન્મોજન્મ મને
કરું આજ પ્રાર્થના પ્રભું તુંજ ને.

Monday, February 4, 2008

સુંદર સૃષ્ટિ...

આ સુંદર સૃષ્ટિની સર્જનહાર છે કુદરત,
મનમોહિ લેતી આ રળીયામણી સૃષ્ટિ.

ચારેબાજુ ઉંચા પહડોને વહેતાં ઝરણાઓ,
ખળખળ વહેતી નદીઓ ને ઘુઘવતો સાગર.

મીઠોમધુર કલરવ કરતા આ પક્ષીઓ,
ને મંદમંદ ગતિ એ લહેરાતો પવન.

આ કડકડતો તાપ ને ગુલાબી ઠંડી,
અને વરસતાવરસાદ ની આ મઝા.

મન થાય માણ્યા કરું કુદરત ,
તારી આ કરામત ને....

Tuesday, January 29, 2008

મૈત્રીભાવનું...

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ સકળ વિશ્વનું
એવી ભાવના નિત્ય રહે ... મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજનને દેખી,
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં,
મુજ જીવનનું અર્ઘ્ય રહે ... મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહિનો,
દેખી દિલમાં દર્દ વહે,
કરૂણાભીની આંખોમાંથી
અશ્રુનો શુભ સ્ત્રોત વહે ... મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલાં જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઊપેક્ષા એ મારગની,
તોય સમતા ચિત્ત ધરું ... મૈત્રીભાવનું

ચિત્ર ભાનુની અપેક્ષા હૈયે,
સૌ માનવ લાવે,
વેરઝેરના પાપ તજીને,
મંગળ ગીતો એ ગાવે ... મૈત્રીભાવનું

પ્રાર્થના..

Thursday, January 24, 2008

જીદંગી...

સમયોના વહાણાં ક્યાંક વહી જવાના,

આમને આમ જીદંગી જીવી જવાના.

કાલ ની ચિતાં શું કામ કરીએ,

અમે તો આજને જીવી જવાના.

હસતાં હસતાં માણીશું જીદંગી ને,

તોફાનો થી કંઈ નથી ડરી જવાના.

આવ્યું જો દુઃખ તો પણ હસી જવાના,

આમ જીદંગી ની મઝા માણી જવાના.

Thursday, January 10, 2008

માગું હું તે આપ, ....

માગું હું તે આપ, પ્રભુજી !
માગું હું તે આપ.

ના માંગુ ધન વૈભવ એવા મન દેખી મલકાય,
ભલે રહું હું દીન તોય લઉં ના ગરીબ કેરી હાય !
એવું હૈયાનું બળ આપ, પ્રભુજી ! ... માગું

ઉંચા નીચા ભેદ ન જાણું, સૌને ચાહું સમાન
સૌને આવું હું ખપમાં મુજ કાયા વજ્ર સમાન
એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! ... માગું

કરતાં કાર્ય જગે સેવાનાં જો કદી થાકી જવાય
કાયા થાકે મન નવ થાકે જીવતર ઉજળું
એવું મનનું બળ તું આપ, પ્રભુજી ! ... માગું

ભજન..

Tuesday, January 8, 2008

ન આવડ્યું....

મનને મનથી જોડતા આવડ્યું.

પણ તોડતા અમને ન આવડ્યું.

દર્દ સહન કરતા તો આવડ્યું.

પણ દર્દ આપતા ન આવડ્યું.

સંબધો નિભાવતા તો આવડ્યું.

પણ સંબધો તોડતા ન આવડ્યું .

અમને તો પ્રેમથી જીવતા જ આવડ્યું.

Thursday, January 3, 2008

"તમારું વ્યક્તિત્વ તમારા વિચારોથી બને છે"...

વ્યક્તિનો પરિચય હમેશાં એના વિચારોથી જ મળે છે.વિચારો પ્રમાણે એનું ચારિત્ર બને છે. અને એટલે જ કેહવાયછે કે હલકા વિચારો એને પતન તરફ જ લઈ જાય છે, તથા ઉચ્ચ વિચારો હમેશાં સફળતાના શિખરે લઈ જાય છે.

મે જોયું છે ઘણા લોકો એવું માનતા હોય છે કે માણસનો પ્રભાવ સારા કપડાં પહેરવાથી વધે છે, પણ આ કંઈક અંશે જ સાચું પડે છે. કારણકે માણસનું વ્યક્તિત્વ એના વિચારોથી બને છે, કપડાં કે ટાપટીપથી નહી. શું આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે આપણા મનમાં જે વિચારો આવે છે, તથા જે મહત્વકાંક્ષાઓ જન્મ લે છે શું એ બધું વ્યર્થ છે? એનું કોઈ મહત્વજ નથી? ના પણ હું માનું છું આ ભાવનાઓ , આ વિચારો, આ મહત્વકાંક્ષાઓ જ જીવન આપનાર છે. આપણે સાચા મનથી , અંતઃકરણથી જે ચીજની માગણી કરીએ છીએ, જે વસ્તુની પ્રાપ્તિની અભિલાષા કરીએ છીએ એ આપણને અવશ્ય મળે જ છે. કારણકે જ્યારે આપણે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની આશા કરીએ છીએ ત્યારે આપણો એ વસ્તું સાથે એક સંબંધ બંધાઈ જાય છે. ઘણીવાર બને છે કે એ વસ્તું આપણને નથી મળતી કારણ કદાચ આપણા વિચારો મજબૂત નથી એ વસ્તું મેળવવા માટે. જો આપણે ઈચ્છીએ કે આપણા મોઢાં પર સદા તેજ રહે તો આપણે આપણા મનમાં -આત્માં માં સૌન્દર્યના ઝરણાને વહેતું કરવું પડશે. એટલેજ કેહવાય છે કે આપણે જે બનવા ઈચ્છીએ છે તેનો આદર્શ સદા આપણી પાસે રાખવાથી આપણને આપણું લક્ષ્ય હમેશાં યાદ આવશે, અને આપણા પ્રયત્નો એ દીશામાં આગળ વધશે. એક વાત બધા જાણે છે કે આશા જનક વિચારોમાં કેટલી શક્તિ છૂપાયેલી હોય છે.આપણે કોઈ પણ કામ વિચારોને હમેશાં આશાવાદી રાખી કરીએ તો આપણન સફળતા અવશ્ય મળે જ છે અને તેથી આપણો કામ કરવાનો ઉત્સાહ વધે છે. એક વખત જો આપણને આમ આશાવાદી વિચારો કરવાની આદત પડી જશે તો નિરાશા પરેશાન નહી કરે. મોટાભાગના લોકો વિચારે છે કે સંસારમાં આગળ વધવા માટે ધનની આવશ્યકતા છે, એ વાત સાચી પણ એની સાથે એ પણ જરૂરી છે કે આપણે મન, વચન અને કર્મથી પ્રયત્ન કરવો જ પડે તોજ આપણું ભવિષ્ય ઉજ્જળ બનશે અને આપણે સુખી થઈ શકીશું. સંસારમાં આપણે એવા લોકોને પણ જોઈએ છીએ કે જેઓ પોતાની ઈચ્છાઓને સાકાર કરવાને બદલે એના તરફ ધ્યાન નથી આપતા. તેઓ એ નથી જાણતાકે પોતાની ઈચ્છાઓને પરીપૂર્ણ કરવા નિરંતર પ્રયત્ન કરતા રેહવાથી આપણી ઈચ્છાઓ ફળતી દેખાશે.અને માત્ર ઈચ્છાઓ રાખવાથી નથી ચાલતું એ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે, જો આપણે પરિશ્રમ નહી કરીએ તો આપણી આકાંક્ષાઓ પાણીના પરપોટા જેવી બની જશે. આપણી આકાંક્ષાઓ, અભિલાષા અને દ્રઢ નિર્ણય સાથે મળી કાર્ય કરે તો ચોક્કસ આપણી શક્તિ અનેક ગણી વધી જશે અને સફળતા સામેથી આવશે. આપણા આદર્શો જ આપણા જીવનમાં વાસ્તવિકતાઓ ભરે છે, જેવો આપણો આદર્શ હશે એવું જ પ્રતિબિંબ આપણા ચેહરા પર ઝળકે છે. માટે જ આપણા વિચારો ઉચ્ચ હોય એ જરૂરી છે , અને પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ કે આપણાથી કોઈ ખરાબ કાર્ય નહી થાય. જે લક્ષ્ય પર આપણે અતૂટ વિશ્વાસ રાખીએ એ ચોક્કસ આપણને મળે જ છે, એ પ્રાણવાન શક્તિનો નિયમ છે.ઘણા વિચારે છે આવા વિચારોથી કશું મળતું નથી, પણ એમનો વિચાર સાચો નથી . કહેવાનો અર્થ એ છે કે કોઈપણ કાર્યનો આરંભ દઢ ઈચ્છાઓ સાથે કરીએ તો પૂર્ણ સફળતા પ્રાપ્ત થશે. જેમકે કોઈ કલાકાર કે કુશળ કારીગર જ્યારે કોઈ સુંદર અને ઉપયોગી ચીજ બનાવે છે ત્યારે એનું ભવ્ય ચિત્ર એના મનમાં દોરાય છે, આજ રીતે આપણે આપણી અભિલાષાઓને પ્રથમ મનમાં ચિત્રિત કરીએ છીએ પછીજ એને કાર્યરૂપમાં પરિણત કરીએ છીએ. રાત્રે સૂતી વખત આપણે આપણા આદર્શો પર થોડો વખત વિચાર કરવો જોઇએ અને આપણી કલ્પનાઓમાં એના સુંદર રૂપ જોવા પ્રયત્ન કરવો જોઈએ. આ તમને સદા યાદ અપાવે છે કે આપણે કલ્પનામાં જે જોયું તેને સાકાર કરીએ છીએ, આપણી આકાંક્ષાઓ , અભિલાષાઓ જ આપણી દૈનિક પ્રાર્થનાઓ છે. પ્રકૃતિદેવી તમારી પ્રાર્થના સાંભળે છે અને જવાબ પણ આપે છે. ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે એ અભિલાષાઓ જ શુદ્ધ હૃદય થી નીકળેલી પ્રાર્થનાઓ જ છે. આપણે આપણને અસમર્થ, કમજોર કોઈ દિવસ નહી સમજાવું જોઈએ, કારણકે દરેક મનુષ્યમાં પૂર્ણ બનવાની શક્તિ હોય જ છે.આપણે બસ મન, વચન, કર્મથી પ્રયત્ન કરવાનો છે.

"તમારું વ્યક્તિત્વ તમારા વિચારોથી બને છે".......આ વિશે મે સ્વેટમાર્ડન ના પુસ્તકમાં વાંચ્યું હતું અને મને બહું ગમ્યું તેથી મે એમાં મારા વિચારો ઉમેરી અંહી રજું કરીયું છે